Categories
article જાણવા જેવું blog educational general knowledge General Knowledge India's Famous Informative Articles & Blogs literature and education science Study useful writer

આદિત્ય L1 મિશન વિશે | About Aditya L1 Mission

all about aditya l1 mission

૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ નાં રોજ સવારે ૧૧ : ૫૦ કલાકે ભારતનાં ISRO દ્વારા સર્વપ્રથમ સૂર્ય મિશન : આદિત્ય L1, SDSC – શ્રીહરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું. ચંદ્ર પર મોકલવામાં આવેલ યાન (સ્પેસક્રાફટ) : ચંદ્રયાન કહેવાયું, તો સૂર્ય પાસે મોકલવામાં આવેલ યાન (સ્પેસક્રાફટ) – સૂર્યયાન કહેવાયું. આપણા દેશનું સૌપ્રથમ સૂર્ય મિશન લોન્ચ થયું, એ બાબત આપણા સૌ માટે ગૌરવભરી અને હરખની ક્ષણ હતી. આ મિશનની બાબતે આપણા મનમાં ઘણાંય પ્રશ્નો હશે કે – ચંદ્રયાન જેમ ચંદ્રની સપાટી પર ઉતર્યું એમ સૂર્યયાન પણ સૂર્યની સપાટી પર ઉતરશે કે શું ??? કારણ કે એ ધગધગતા અગ્નિ ગોળા સુધી પહોંચવું અશક્ય છે અને એ આપણી પૃથ્વીથી પણ કેટલો દૂર આવેલ છે તો એ કઈ રીતે શક્ય બનશે ?? તો આ બધા સવાલનાં જવાબ આ લેખમાં જાણીશું. આપણે જાણીશું સૂર્યયાન – આદિત્ય L1 વિશે, તેના પેલોડ્સ વિશે, તેના ઉદ્દેશ્યો અને તેની કામગીરી અને એ સૂર્યની સપાટી પર ઉતરશે કે નહીં ? વગેરે.

આદિત્ય L1 મિશન વિશે | About Aditya L1 mission

પહેલાં આપણે સૂર્ય મિશન : આદિત્ય L1 વિશે સામાન્ય પરિચય લઈશું. 

હાલમાં જ ૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ નાં રોજ ISRO દ્વારા ભારતનું સૌપ્રથમ સૂર્ય મિશન : આદિત્ય L1,  SDSC – શ્રીહરિકોટા ખાતેથી PSLV C57 રોકેટ મારફતે લોન્ચ કરવામાં આવ્યું, જે ભારતની અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે બહુ જ ગૌરવવંતી અને ઐતિહાસિક સિદ્ધિ હતી. આ સમગ્ર પ્રોજેક્ટનો કારભાર ISRO વૈજ્ઞાનિક નિગાર શાજીએ સંભાળ્યો હતો, તેઓ આ સૂર્ય મિશન પ્રોજેક્ટના પ્રોજેક્ટ હેડ છે. આદિત્ય L1 એ અંતરિક્ષમાં સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવેલ એક સેટેલાઈટ છે. જે સૂર્યમાંથી નીકળતા કણો, રેડિયેશન અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે.

આદિત્ય L1 નો અર્થ સમજીએ. આદિત્ય એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ – સૂર્ય થાય છે. અને L1 ની વાત કરીએ તો L1 એટલે લેગ્રેંજ 1 (Lagrange – 1). L1 એ સૂર્ય – પૃથ્વીની સિસ્ટમમાં લેગ્રેંજ 1 નો સંદર્ભ આપે છે. અવકાશમાં કુલ પાંચ લેગ્રેંજ પોઈન્ટ આવેલા છે. વિજ્ઞાનની ભાષામાં (લેગ્રેંજ – 1) L1 એ –  પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સંતુલિત ગુરુત્વાકર્ષણ સ્થાન છે. અહીં કોઈ સ્પેસક્રાફ્ટને મોકલવામાં આવે તો, તે સ્થિર રહે છે અને તેને કોઈ ગ્રહણ નડતું નથી. સાવ સરળ ભાષામાં કહીએ તો – લેગ્રેંજ એટલે કોઈ સ્પેસક્રાફ્ટ પાર્ક કરવાનું સ્થળ. આદિત્ય L1 – આ L1 પોઈન્ટ પરથી સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરશે. આ સ્થળ પરથી સૂર્યનું એકદમ ચોક્સાઈભર્યું નિરીક્ષણ થાય છે.

આદિત્ય L1 માં કુલ સાત અલગ અલગ પેલોડ્સ આવેલા છે. આ તમામ સ્વદેશી છે એટલે કે અહીં જ બનેલ છે. આ સાત પેલોડ્સમાંથી ચાર પેલોડ્સ સૂર્યનો અભ્યાસ કરશે અને બાકીનાં ત્રણ પેલોડ્સ તે સ્થાનના કણો અને ક્ષેત્રનો અભ્યાસ કરશે.

હવે આપણે આદિત્ય L1 વિશે સંપૂર્ણ રીતે જાણીશું.

૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ નાં રોજ ISRO દ્વારા લોન્ચ થયેલ આદિત્ય L1 એ ભારતનું સૌ પ્રથમ અવકાશીય મિશન છે, જે સૂર્યનો અભ્યાસ કરશે. આ યાન PSLV C57 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવેલ છે. આદિત્ય L1 લોન્ચ થયાનાં ૧૬ દિવસ સુધી પૃથ્વીની બંધાયેલી ભ્રમણકક્ષામાં રહેશે. આ દરમ્યાન તે તેની જરૂરી રફ્તાર (ઝડપ) મેળવવા માટે પાંચ મેન્યુવર્સમાંથી પસાર થશે. ત્યારબાદ આદિત્ય L1 એ ટ્રાંસ લેગ્રેંજિયન – 1 મેન્યુવર્સમાં પ્રવેશ કરશે, જે L1 લેગ્રેંજ પોઈન્ટની આસપાસનાં ગંતવ્ય સુધીના તેના ૧૧૦ દિવસનાં માર્ગની શરૂઆતને ચિહ્નિત કરશે. આમ, આદિત્ય L1 ચાર મહિના પછી L1 પોઈન્ટ પર પહોંચશે.

L1 પોઈન્ટ પર આવી ગયા પછી અન્ય મેન્યુવર દ્વારા યાન – આદિત્ય L1 ને L1 પોઈન્ટની આસપાસની ભ્રમણકક્ષા સાથે જોડવામાં આવશે. જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સંતુલિત ગુરુત્વાકર્ષણ સ્થાન છે. જે પૃથ્વીથી આશરે ૧૫ લાખ કિમી દૂર છે.  L1 પોઈન્ટની આસપાસનાં પ્રભામંડળની ભ્રમણકક્ષામાં ઉપગ્રહો મૂકવાથી મુખ્ય ફાયદો એ થાય છે કે – ત્યાંથી કોઈપણ જાતના ગ્રહણ વગર સૂર્યને નિહાળી શકાય છે. અહીં ગ્રહણની કોઈ અસર થતી નથી, માટે અહીંથી સૂર્યને ઉત્તમ રીતે જોઈ શકાય છે. અને બીજો ફાયદો એ કે – સાચા સમયે સૂર્યની પ્રવૃત્તિઓનું અવલોકન તેમજ તેની ત્યાંના અવકાશીય હવામાન પર થતી અસરો વિશે જાણી શકાય છે.

આદિત્ય L1 યાન એનું આખું મિશન આ L1 ભ્રમણકક્ષાની આસપાસ સૂર્ય અને પૃથ્વીને જોડતી જે લંબ રૂપ રેખા છે તેના પર ભ્રમણ કરીને પૂરું કરશે. L1 પરનો સ્ટ્રેટેજિક પ્લેસમેન્ટ એ સુનિશ્ચિત કરે છે કે – આદિત્ય L1 એ સૂર્યનું અવિરત દ્રશ્ય સતત જાળવી શકશે. આ જગ્યા સેટેલાઈટને પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્ર અને વાતાવરણથી પ્રભાવિત થાય એ પહેલાં સૌર કિરણોત્સર્ગ (સોલાર રેડિયેશન) અને ચુંબકીય તોફાનોને ઍક્સેસ કરવા માટે મંજૂરી આપે છે. વધુમાં કહીએ તો – L1 પોઈન્ટની ગુરુત્વાકર્ષણ સ્થિરતા વારંવાર ભ્રમણકક્ષાનાં જાળવણીનાં પ્રયત્નોની જરૂરિયાતને ઘટાડે છે તેમજ સેટેલાઈટ (યાન) ની ઓપરેશનલ કાર્યક્ષમતાને વધારે છે.

આદિત્ય L1 મુખ્યત્વે સૂર્યનાં બાહ્ય વાતાવરણ (ક્રોમોસ્ફિયર અને કોરોના) તેમજ સૂર્યમાંથી નીકળતા કણો, રેડિયેશન અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે.

હવે આપણે આદિત્ય L1 નાં પેલોડ્સ વિશે જાણશું.

અગાઉ કીધું એમ – આદિત્ય L1 માં કુલ સાત પેલોડ્સ ‘ ઓન બોર્ડ ‘ મુકવામાં આવેલા છે. આ બધા જ પેલોડ્સ સ્વદેશી છે. આ સાત પેલોડ્સમાંથી પાંચ પેલોડ્સ ISRO દ્વારા બનાવેલાં છે અને બાકીનાં બે ISRO ને સહયોગ કરતી સંસ્થા – ઈન્ડિયન એકેડેમિક ઈન્સ્ટિટ્યૂટે બનાવેલાં છે. આ પેલોડ્સ ઈલેક્ટ્રોમેગ્નેટિક પાર્ટિકલ તેમજ મેગ્નેટિક ફિલ્ડ ડિટેક્ટર્સનો ઉપયોગ કરીને ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૂર્યનાં બહારનાં આવરણ – કોરોનાનું અવલોકન કરશે.

કુલ ૭ પેલોડ્સમાંથી : ૪ પેલોડ્સ એ રિમોટ સેન્સિંગ પેલોડ્સ છે. અને બાકીનાં ૩ પેલોડ્સ એ In Situ (ઈન સીટુ) પેલોડ્સ છે.

સ્પેશિયલ વેન્ટેજ પોઈન્ટ – L1 નો ઉપયોગ કરીને, ૪ પેલોડ્સ એ માત્ર સૂર્યનો જ અભ્યાસ કરશે અને બાકીનાં ૩ પેલોડ્સ એ કણો અને તેનાં ક્ષેત્રનો In Situ (એક સાથે) અભ્યાસ કરશે. આમ, તે આંતરગ્રહીય માધ્યમમાં સૌર ગતિશીલતાની પ્રચારાત્મક અસરનો મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક અભ્યાસ પૂરો પાડશે.

આદિત્ય L1 પેલોડ્સનાં suits (ટેલિસ્કોપ) : કોરોનલ હીટિંગ, કોરનલ માસ ઈજેક્શન, પ્રી – ફ્લેર અને ફ્લેર એક્ટિવિટીઝ અને તેની લાક્ષણિકતાઓ, અવકાશીય હવામાનની ગતિશીલતા, કણો અને ક્ષેત્રોનાં પ્રસાર વગેરેની સમસ્યાને સમજવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે.

આદિત્ય L1માં આવેલ સાત પેલોડ્સનાં નામ અને તેનાં કાર્યો નીચે મુજબ છે :

પહેલાં ચાર પેલોડ્સ એ “રિમોટ સેન્સિંગ પેલોડ્સ” છે :

  • VELC (Visible Emission Line Coronagraph) : કોરોના ઈમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપી.
  • SUIT (Solar Ultraviolet Imaging Telescope) : ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયર ઈમેજિંગ નેરો અને બ્રોડબેન્ડ.
  • SoLEXS ( Solar Low Energy X – ray Spectrometer) : સૂર્યનું નિરીક્ષણ – એક તારા તરીકે. ( સોફ્ટ એક્સ – રે સ્પેકટ્રોમીટર)
  • HEL1OS (High Energy L1 Orbiting X – ray Spectrometer) : ઈન – સીટુ પેલોડ્સમાંથી સૂર્યનું નિરીક્ષણ – એક તારા તરીકે. ( હાર્ડ એક્સ – રે સ્પેકટ્રોમીટર)

અન્ય ત્રણ પેલોડ્સ એ “In Situ પેલોડ્સ” છે :

  • ASPEX (Aditya Solar wind Particle Experiment) : સોલાર વિન્ડ (સૌર પવન) / પાર્ટિકલ એનેલાઈઝર પ્રોટોન્સ અને દિશાઓ સાથેનાં ભારે આયનો (10ns)
  • PAPA (Plasma Analyser Package for Aditya) : સોલાર વિન્ડ (સૌર પવન) / પાર્ટિકલ એનેલાઈઝર ઈલેક્ટ્રોન્સ અને દિશાઓ સાથેનાં ભારે આયનો (10ns)
  • Advanced Tri – axial High Resolution Digital Magnetor : ઈન – સીટુ ચુંબકીય ક્ષેત્ર.

હવે આપણે આદિત્ય L1 નાં ઉદ્દેશ્યો વિશે જાણીશું.

ભારતનાં સૌ પ્રથમ સૂર્ય મિશન : આદિત્ય L1 નાં ઉદ્દેશ્યો નીચે મુજબની બાબતોનો અભ્યાસ કરવાનો છે :

  • સૂર્યનાં બાહ્ય વાતાવરણીય ગતિશીલતાનો અભ્યાસ.
  • ક્રોમોસ્ફેરિક અને કોરોનલ હીટિંગનો અભ્યાસ : – આયોનાઈઝ્ડ પ્લાઝ્માનું ભૌતિક શાસ્ત્ર, કોરોનલ માસ ઈજેકશનની શરૂઆત તેમજ જ્વાળાઓ.
  • સૂર્યમાંથી કણોની ગતિશીલતાનાં અભ્યાસ માટે ડેટા પ્રદાન કરતાં તે સ્થાનનાં કણો અને પ્લાઝ્મા વાતાવરણનું અવલોકન.
  • સૌર કોરોના અને તેના હીટિંગ મિકેનિઝમનું ભૌતિક શાસ્ત્ર.
  • કોરનલ તેમજ કોરોનલ લૂપ્સ પ્લાઝ્માનું ડાયોગ્નિસ્ટિક્સ : તાપમાન, વેગ અને ઘનતા.
  • CMEs ની ઉત્પત્તિ, ગતિશીલતા અને વિકાસ. 
  • સૂર્યનાં બાહ્ય આવરણો (સ્તરો) જેમ કે – ક્રોમોસ્ફિયર, આધાર અને વિસ્તૃત કોરોના પર થતી પ્રક્રિયાઓનો ક્રમ ઓળખવો ; જે આખરે સૌર વિસ્ફોટની ઘટનાઓ તરફ દોરી જતું હોય.
  • સૌર કોરોનામાં મેગ્નેટિક ફિલ્ડ ટોપોલોજી અને મેગ્નેટિક ફિલ્ડ મેઝરમેન્ટ.
  • અવકાશ હવામાન માટેનાં ડ્રાઈવરો : સૌર પવનની ઉત્પત્તિ, રચના અને ગતિશીલતા.

હવે આપણે આદિત્ય L1 ને લગતી વિશેષ બાબતો જાણીશું.

  • આદિત્ય L1 યાન ૧૪૦ દિવસ પછી લેગ્રેંજ પોઈન્ટ પર પહોંચશે.
  • આદિત્ય L1 જ્યારે L1 પોઈન્ટ પર પહોંચશે, ત્યારે નાસા અને યુરોપિયન એજન્સી પછી ISRO આ સિદ્ધિ હાંસલ કરનારી દુનિયાની ત્રીજી સ્પેસ એજન્સી હશે.
  • આદિત્ય L1 નાં ૭ પેલોડ્સ માંથી ૪ પેલોડ્સ સૂર્યનો અને ૩ પેલોડ્સ કણો અને તેના ક્ષેત્રનો એકસાથે અભ્યાસ કરનારો પણ પહેલો દેશ હશે.

આપણા બધા ના મનમાં એક પ્રશ્ન હશે કે – જેમ ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતર્યું એમ આ સૂર્યયાન પણ શું સૂર્યની સપાટી પર ઉતરશે કે શું ???

  • આદિત્ય L1 માત્ર સૂર્યનો અભ્યાસ કરવા માટે જ અવકાશમાં મોકલવામાં આવ્યું છે.
  • આદિત્ય L1 પૃથ્વીથી આશરે ૧૫ લાખ કિમી દૂર રહેશે અને ત્યાંથી જ સૂર્યનું નિરીક્ષણ કરશે. તે જે સ્થાન પર હશે, તે સૂર્ય – પૃથ્વી વચ્ચેનાં અંતરના માત્ર ૧ ટકા જ હશે.
  • સૂર્ય એ ગેસનો વિશાળ ગોળો છે તેમજ ધગધગતી અગ્નિનો ગોળો પણ.

આદિત્ય L1 એ  માત્ર અને માત્ર સૂર્યનાં બાહ્ય વાતાવરણનો જ અભ્યાસ કરશે :

“તે ન તો સૂર્યની સપાટી પર ઊતરશે અને ન તો સૂર્યની નજીક જશે.”


Aditya L1 quick fact

તો આ વાત હતી – આપણા ભારતનાં સૌ પ્રથમ એવા સૂર્ય મિશન : આદિત્ય L1ની. જે વૈશ્વિક દૃષ્ટિએ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રમાં ભારતનું એક ઐતિહાસિક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનારું મિશન બનશે.

aditya l1 mission | aditya l1 mission in gujarati  | Must Read | Interesting | Article writing | Gujarati article | aditya l1 isro | Writer | Writing | Informative | about aditya l1 mission | Article Published | General Knowledge | Knowledge sharing | vishakha mothiya | gujjugyan | Janva Jevu | mahitisabhar lekh | wordpress blog | જાણવા જેવું | vish_info | educational post | gk gujarat | interesting | knowledge is power | must know | educational | india’s first solar mission  | gujarati writer | isro mission | aditya l1 launch | science blog | science world  | just know | celestial journey | space exploration | space technology | India In Space | space mission | solar mission

Leave a comment