માનવ સભ્યતાના જન્મ – વિકાસમાં કુદરતી સંસાધનનો અમૂલ્ય સ્ત્રોત એવા જળ એટલે કે પાણીએ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. દરેક સભ્યતાઓ નદીને કિનારેથી જ જન્મી, વિકસી છે. એટલા માટે જ જળને જીવન તેમજ માનવીઓની જીવાદોરી કહેવામાં આવી છે. પ્રાચીન સભ્યતાથી લઈને જેટલા પણ રાજવંશજો થયા એમાં જળ વ્યવસ્થાપન હંમેશાં મોખરે રહ્યું છે. વરસાદી પાણીના સંગ્રહ તેમજ લોકોના ઘરો સુધી પહોંચાડવા માટે કૂંડ, કૂવા, વાવ, ડેમ વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું. જળ સંગ્રહના સ્ત્રોતમાં વાવ બધાથી અલગ છે. ક્યાંય નક્શીકામ કરેલો કૂવો નહીં જોવા મળે તમને, પરંતુ વાવ તમને અવનવી ડિઝાઇન, આકૃતિઓથી સજ્જ જોવા મળશે. વાવ એ પાણીના સંગ્રહની સાથે સાથે એ સાંસ્કૃતિક વારસાનું સીમાચિહ્ન પણ હતું. તો ચાલો જાણીએ, વાવ વિશે સરળતાથી સાથે જાણીશું – વાવની સંરચના, પ્રકાર, પ્રખ્યાત વાવ તેમજ તેની જાળવણી વિશે.
Stepwell | વાવ

વાવ શબ્દ સંસ્કૃત શબ્દ વાપિકા, વાપી પરથી આવ્યો છે. વાવનો સરળ અર્થ કરીએ તો – પગથિયાવાળો પાણીનો કૂવો. વાવ અન્ય નામોથી પણ ઓળખાય છે જેમ કે – વાવડી (બાવડી), વાઈ, કલ્યાણી, પુષ્કરણી, બાઓલી વગેરે. અંગ્રેજીમાં તેને stepwell કહેવામાં આવે છે. ભારતમાં વાવ ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે, ખાસ કરીને ગુજરાતમાં. વાવ બંધાવવાનો મુખ્ય હેતુ વરસાદી પાણીના સંગ્રહનો હતો. સૂકો પ્રદેશ હોવાથી વરસાદ પુષ્કળ પ્રમાણમાં આવતો ન હોવાથી, પાણીનો સંગ્રહ કરવો અતિ આવશ્યક હતો. વાવનું બાંધકામ જે તે સમયના રાજા દ્વારા પ્રજા માટે બનાવવામાં આવતી. રાજા દ્વારા નિર્માણ કરવામાં આવતી હોવાથી એનું બાંધકામ પણ રાજાશાહી જેવું જ રહેતું. જળ સ્થાપત્યોમાં વાવ બધાથી અલગ પડે છે એનું કારણ તેની દીવાલો પર કરવામાં આવેલ જટિલ પરંતુ અદભૂત કોતરણી કામ. વાવની દીવાલો પર દેવી દેવતાઓની મૂર્તિઓ તેમજ પૌરાણિક પ્રસંગો, વિવિધ ભાતની ભૌમિતિક ડિઝાઈન – આકૃતિઓ વગેરે શિલ્પકાર દ્વારા કંડારવામાં આવતું. આથી, વાવ જળ સંગ્રહ સ્થાપત્યની સાથે સાથે આપણી ઐતિહાસિક શિલ્પકલાનું એક ઉત્તમ ઉદાહરણ છે. જેની દીવાલો પણ પૌરાણિક કથાઓ કહે છે.
વાવના મુખ્ય ચાર પ્રકારો છે : નંદા, ભદ્રા, જયા અને વિજયા. વાવના આ પ્રકારો તેની અંદર પ્રવેશવાના પગથિયાઓના આધારે પાડવામાં આવ્યા છે.
– નંદા : વાવમાં પ્રવેશવા માટે એક જ બાજુએ પગથિયાઓ આવેલા હોય, એ નંદા પ્રકારની વાવ હોય છે. આ વાવ ત્રણ માળની હોય છે.
– ભદ્રા : વાવમાં પ્રવેશવા માટે બે બાજુએ પગથિયાઓ આવેલા હોય, એ ભદ્રા પ્રકારની વાવ હોય છે. આ વાવ છ માળની હોય છે.
– જયા : વાવમાં પ્રવેશવા માટે ત્રણ બાજુએ પગથિયાઓ આવેલા હોય, એ જયા પ્રકારની વાવ હોય છે.
– વિજયા : વાવમાં પ્રવેશવા માટે ચાર બાજુએ પગથિયાઓ આવેલા હોય, એ વિજયા પ્રકારની વાવ હોય છે.
વાવની સંરચના :
વાવનું સ્ટ્રકચર સાવ સરળ ભાષામાં સમજાવું તો એમ કહેવાય કે – આપણે કોઈ ચાર કે પાંચ માળની બિલ્ડિંગમાં નીચે પાણી ભરવા જવું હોય તો, ત્યાં સુધી પહોંચવા માટે એક પછી એક માળના દાદરા ઉતરવાના હોય છે. આ દરેક માળમાં છતો, દીવાલો, passage વગેરેથી બનેલા હોય છે. વાવમાં પણ કંઇક આવું જ હોય છે.
– પ્રવેશદ્વાર : વાવમાં પ્રવેશવા માટે પહેલા કલાત્મક તોરણ જેવું પ્રવેશદ્વાર હોય છે. અમુક વાવમાં બે, ત્રણ કે ચાર પ્રવેશદ્વાર પણ હોય છે.
– પગથિયા : પ્રવેશદ્વારથી પગથિયાં શરૂ થાય છે જે નીચેની તરફ લઈ જાય છે. આ પગથિયાઓ એકધારા નથી હોતા. અમુક પગથિયાઓ પછી વચ્ચે સપાટ જગ્યા પણ આવે છે જેમ ડુંગરો ચડતી વખતે આવે છે તેમ. અમુક વાવમાં સીધા પગથિયાઓ હોય છે તો અમુક જગ્યાએ વર્તુળાકાર.
– કૂટ (માળ) : પગથિયાઓ ઉતરતા હવે માળ શરૂ થાય છે જેને કૂટ કહેવામાં આવે છે. આ દરેક માળમાં સ્તંભો અને છતને આધારે બનેલા મંડપો આવેલા હોય છે. હવે જેમ જેમ નીચે ઉતરતા જઈએ તેમ એક પછી એક વિવિધ કલાકૃતિઓથી સજ્જ માળ આવે છે. મંડપના સ્તંભો, દીવાલો વિવિધ જાતની ભૌમિતિક ડિઝાઈન, કલાત્મક આકૃતિઓ, હિન્દુ દેવી દેવતાઓના શિલ્પોથી સજ્જ હોય છે.
– કૂવો : દરેક માળના પગથિયાઓ ઉતારીને છેલ્લે પાણીનો એક ઊંડો કૂવો હોય છે, જ્યાંથી પહેલના સમયમાં પાણી ભરવામાં આવતું.
પ્રખ્યાત વાવ : ગુજરાતમાં વાવ સૌથી વધારે જોવા મળે છે. વાવનું નામ સાંભળીએ એટલે પહેલું વહેલું નામ આપણા મનમાં પાટણની રાણીની વાવ અથવા રાણકી વાવનું નામ આવે છે. સોલંકી યુગમાં નિર્માણ પામેલી આ વાવ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ સ્થાન પામેલ છે આ ઉપરાંત આપણી ચલણી નોટમાં પણ.

કેટલીક પ્રખ્યાત વાવોના નામ જોઈએ.
(૧) રાણકી વાવ
(૨) અડાલજની વાવ
(૩) દાદા હરિની (હરીર) વાવ
(૪) અડી કડીની વાવ
(૫) બત્રીસ કોઠાની વાવ
(૬) બાબરા ભૂતની વાવ
આ તો જે પ્રખ્યાત વાવ છે તેના નામો છે. આની સિવાય ગુજરાતના કેટલાય ગામોમાં અસંખ્ય વાવ આવેલ છે.જેમાંથી અમુક જાણીતી તો અમુક અજાણી છે.
વિશેષ બાબતો
- આપણા ગુજરાતમાં જેમ રાણકી વાવ મોખરે છે તેમ રાજસ્થાનમાં ચાંદ બાવડી નામની વાવ પ્રખ્યાત છે.
- ભારતીય વાસ્તુકલા સ્થાપત્યોમાં જળ સંગ્રહ સ્થાપત્ય તરીકે વાવનું નામ મોખરે લેવામાં આવે છે. કારણ કે ક્યાંય તમને કલાત્મક ડિઝાઈનની દીવાલ વાળો કૂવો નહીં જોવા મળશે. વાવનું બાંધકામ એકદમ પરફેક્ટ જોવા મળશે.
- વાવ એ સ્ત્રીઓ માટે એનું સૌથી પ્રિય gathering place હતું, જેમ ગામડાઓમાં કૂવે પાણી ભરવા જતી સ્ત્રીઓ ભેગી થાય અને વાતો કરે એમ.
- વાવનું પાણી પર્યાવરણ તેમજ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સ્વચ્છ અને આરોગ્યપ્રદ ગણાતું. વાવની દીવાલોમાં જે ખનીજ હોય છે તે પાણીમાં ભળવાથી પાણી વધુ આરોગ્યપ્રદ બનતું.
હાલની પરિસ્થિતિ જોઈએ તો, ગુજરાતમાં એવી કેટ કેટલીય વાવો આવેલી છે જે હજુ સુધી લાઇમલાઇટમાં આવી નથી. અમુક પ્રખ્યાત વાવોને બાદ કરતાં મોટા ભાગની વાવો અત્યારે બિસ્માર હાલતમાં છે જાણે ખોવાઈ ગઈ હોય એમ. એનું પાણી પણ લીલ – શેવાળયુક્ત જોવા મળે છે જે દૂષિત ગણવામાં આવે છે. ચોખ્ખું પાણી જેમ જીવન છે તો ગંદુ અને દૂષિત પાણી રોગોને આમંત્રિત કરનારું હોય છે. લોકલ પબ્લિકમાં પર્યાવરણ તેમજ ઐતિહાસિક વારસાની જાળવણી અંગેની ઓછી સમજ અથવા તો નીરસતા હોવાથી વાવ અત્યારે ખંડેર હાલતમાં જોવા મળે છે. આ વાવની યોગ્ય સફાઈ તેમજ rebuild કરવામાં આવે તો કદાચ વાવ ફરીથી ઉપયોગમાં લઈ શકાય.
વાવ | about stepwell | Ancient Stepwells | Ancient Water Conservation System| UNESCO heritage stepwell india| Rani ki Vau | Short blogs to read | Vishakha Mothiya Blog | Educational Content | Ancient Water Storage System | informative content | General Knowledge Article| interesting read | general knowledge information | Historical Read | Vishakha Info | Website Blogs | Gujarati Blogs | Famous Stepwells | Stepwell in Gujarat | Gujarati Writer | Gujarati Blogger | Ancient Architecture| Historical Water Architecture | Cultural Heritage |જળ સંગ્રહ સ્થાપત્યો

Rani ki Vau
Adalaj Vau


Dada Harir Vau
Chand Bawdi, Rajasthan







Leave a comment