Categories
article જાણવા જેવું blog Day Special general knowledge General Knowledge heritage place History India's Famous Informative literature and education my favorite Mythology place destination useful world famous writer

અયોધ્યા રામ મંદિર સ્થાપત્ય શૈલી | Ayodhya Ram Mandir Architecture

અત્યારે સમગ્ર ભારતવાસીઓ એક ખાસ ઐતિહાસિક ક્ષણની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. પરંતુ એ પહેલાં પ્રભુ જ્યાં બિરાજીત થવાનાં છે, તે મંદિર વિશેની સામાન્ય માહિતી મેળવી લઈશું.

અત્યારે સમગ્ર ભારતવાસીઓ એક ખાસ ઐતિહાસિક ક્ષણની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. આ ક્ષણ માટે કેટ કેટલાંય લોકોએ વર્ષો સુધી એક તપ કર્યા બરાબરની પ્રતીક્ષા કરી હશે, ખુદ ભગવાને પણ. આપણે સૌ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ નાં રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રાહ જોઈ રહ્યા છીએ; અને તેને હરખભેર વધાવવા અત્યારથી ગામડાઓ શહેરોમાં તેમજ આખા વિશ્વમાં અનેરો ઉત્સાહ છવાયો છે, અનેકો તૈયારીઓ ચાલી રહી છે. આખરે ૫૦૦ વર્ષ પછી પ્રભુ તેના જન્મસ્થાને બિરાજીત થશે એટલે આ ઉત્સવને દિવાળીની જેમ રામ જ્યોત પ્રગટાવીને સૌ ભારતવાસીઓ ઉજવવાના છે. એ પહેલાં પ્રભુ જ્યાં બિરાજીત થવાનાં છે, તે મંદિર વિશેની સામાન્ય માહિતી મેળવી લઈશું. આપણે જાણીશું – અયોધ્યા વિશે, પ્રભુ શ્રી રામનાં મંદિર વિશે, તેની સ્થાપત્ય શૈલી તેમજ અન્ય વિશેષ બાબતો વિશે.

અયોધ્યા રામ મંદિર સ્થાપત્ય શૈલી | Ayodhya Ram Mandir Architecture

પહેલાં આપણે અયોધ્યા તેમજ રામ મંદિર વિશે જાણીશું.

અયોધ્યા એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે તેમજ પ્રભુ શ્રી રામની જન્મભૂમિ છે. સરયૂ નદીને કાંઠે આવેલું અયોધ્યા “અવધ” તરીકે પણ ઓળખાતું, જેનો અર્થ થાય છે – જેને કોઈ જીતી ન શકે. પ્રાચીન સમયમાં અયોધ્યા “સાકેત” તરીકે પણ ઓળખાતું. ચીની મુસાફર હ્યું એન ત્સાંગે તેના ભારત પ્રવાસ દરમ્યાન અયોધ્યાની મુલાકાત લીધી હતી.

અયોધ્યા રામ મંદિરનું ખાત મુર્હૂત ૫ ઓગસ્ટ, ૨૦૨૦ નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તેની પ્રાણ પ્રતિષ્ઠા ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ નાં રોજ વિક્રમ સંવત ૨૦૮૦ પોષ સુદ બારસને સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાની છે. અયોધ્યા રામ મંદિરનું નિર્માણ “શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ” ને અંતર્ગત કરવામાં આવ્યું છે. મંદિરનું સંપૂર્ણ બાંધકામ L & T કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ મંદિરની ડિઝાઈન પ્રખ્યાત આર્કિટેક ચંદ્રકાંત સોમપુરાએ બનાવી છે, જેમણે સોમનાથ મંદિર તેમજ પોરબંદરનાં બિરલા મંદિરની ડિઝાઈન પણ બનાવેલી. પ્રભુ શ્રી રામનું મંદિર ૬૭.૭ એકરમાં ફેલાયેલું છે. મંદિર નિર્માણ માટે કુલ ૩ વર્ષ, ૩ મહિના જેટલો સમય લાગેલો.

મંદિરનાં ભૂતળ ગર્ભગૃહમાં પ્રભુ શ્રી રામનાં પાંચ વર્ષનાં બાળ સ્વરૂપની મૂર્તિ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ નાં રોજ બપોરે મૃગશીર્ષ નક્ષત્રનાં અભિજિત મુહૂર્તમાં બિરાજમાન થશે. આ મુહૂર્ત માત્ર ૮૪ સેકંડનું (12 : 29 : 08 PM થી લઈને 12 : 30 : 32 PM સુધી) છે.

હવે આપણે રામ મંદિરની સ્થાપત્ય શૈલી વિશે જાણીશું.

પ્રભુ શ્રી રામનું મંદિર સરયૂ નદીથી લગભગ ૧ કિમી દૂર છે. આ મંદિર સંપૂર્ણપણે નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર નિર્માણ માટે પારંપરિક પથ્થરો : ગુલાબી બલુઆ પથ્થર, ગ્રેનાઈટ, રાજસ્થાનનાં મકરાના માર્બલ, મિર્ઝાપુર માર્બલ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્યાંય પણ સિમેન્ટ, કાંકરી કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, આખું મંદિર પથ્થરો પર કોતરણી કામ કરીને બનાવવામાં આવ્યું છે. મંદિરનાં ફ્લોરિંગ તેમજ કલેડિંગ (આવરણ) વર્ક માટે મકરાના માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર મંદિર નિર્માણમાં અમુક ભાગોનાં જોડાણ માટે ૨૮ મીટરના તાંબાનાં સળિયા તેમજ પીનનો કરવામાં આવ્યો છે.

મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) ૩૮૦ ફૂટ, પહોળાઈ ૨૫૦ ફૂટ અને ઊંચાઈ ૧૬૧ ફૂટ (મુખ્ય શિખર) છે. આ મંદિર ત્રણ માળનું છે, દરેકની ઊંચાઈ ૨૦ ફૂટ છે. ત્રણેય માળ સહિત આખું મંદિર ૩૯૨ સ્તંભો (થાંભલા) પર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં કુલ ૪૪ લાકડાંના દરવાજા છે. પાંચ મંડપો છે, જે અનુક્રમે : નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ છે. મંદિરની તમામ દીવાલો – સ્તંભો પર દેવી – દેવતાઓની મૂર્તિ કંડારવામાં આવી છે. મંદિરમાં પ્રવેશ કરવા માટે સિંહ દ્વારથી ૩૨ પગથિયાં શરૂ થાય છે, જે નિજ મંદિર સુધી પહોંચાડે છે. દિવ્યાંગ તેમજ વૃદ્ધ લોકો માટે લિફ્ટ તેમજ રેમ્પ (ઢળાવ) ની સુવિધા પણ છે.

મંદિરની ચારેકોર પરકોટા (મંદિર કે કિલ્લા ફરતે રક્ષણ માટે ઊભી કરવામાં આવેલી દીવાલો) આવેલા છે, જેની લંબાઈ ૭૩૩ મીટર અને પહોળાઈ ૪.૨૫ મીટર છે. પરકોટાનાં ચારેય ખૂણે અનુક્રમે : ભગવાન સૂર્ય, શિવ, ગણપતિ અને દેવી ભગવતીનું મંદિર છે; તેમજ દક્ષિણ દિશામાં  બજરંગબલી હનુમાનજી મહારાજનું મંદિર અને ઉત્તર દિશામાં માતા અન્નપૂર્ણાનું મંદિર આવેલું છે. ભક્તો માટે ચાલવાનો રસ્તો ૧૪ ફૂટ પહોળો છે.  મંદિરનાં પરિસરમાં અન્ય મંદિરો પણ સમાવિષ્ટ છે જેમ કે – મહર્ષિ વાલ્મિકી, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ અગસ્ત્ય, નિષાદ રાજ, માતા શબરી અને દેવી અહલ્યા. આ ઉપરાંત મંદિરની સામે પૌરાણિક કાળનું ” સીતા કૂપ ” પણ મૂકવામાં આવ્યું છે તેમજ મંદિરમાં દક્ષિણ – પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર, ટીલા પર સ્થિત શિવ મંદિર અને રામભક્ત જટાયુની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે.

હવે વાત કરીશું – રામ મંદિર વિસ્તારમાં આવેલ અન્ય ભવનો તેમજ સુવિધાઓ વિશે.

૧) શ્રી રામ કુંડ – યજ્ઞશાળા

૨) કર્મક્ષેત્ર – અનુષ્ઠાન મંડપ

૩) હનુમાન ગઢી – હનુમાન દાદાની વિશાળ પ્રતિમા

૪) શ્રી રામલલ્લા પુરાકાલિક દર્શન મંડળ – શ્રી રામનાં જન્મસ્થાનને લગતાં પુરાતાત્ત્વિક તેમજ ઐતિહાસિક અવશેષો

૫) શ્રીકમ્મ કીર્તિ – સત્સંગ ભવન – સભાગાર

૬) ગુરુ વશિષ્ઠ પીઠિકા – વેદ, પુરાણ, રામાયણ, સંસ્કૃત અધ્યયન કેન્દ્ર

૭) ભક્તિ ટીલા – ધ્યાન માટેનું સ્થળ

૮) તુલસી – રામલીલા કેન્દ્ર – પ્રદર્શન માટેનું ઓપન એર થિયેટર

૯) રામ દરબાર – પ્રવચન, કાર્યક્રમો માટેનું કેન્દ્ર

૧૦) માતા કૌશલ્યા વાત્સલ્ય મંડપ – પ્રદર્શની હૉલ, ઝાંખી પરિસર

૧૧) રામંગન – વિશિષ્ઠ સિનેમા, ટેલિવિઝન, AV આધારિત શો, પ્રવચન થિયેટર

૧૨) રામાયણ – આધુનિક એસી પુસ્તકાલય તેમજ વાંચનાલય

૧૩) મહર્ષિ વાલ્મિકી – પુરાલેખ અનુસંધાન કેન્દ્ર

૧૪) રામાશ્રયમ્ – શ્રદ્ધાળુઓ માટે રહેવાના બહુમાળી બિલ્ડિંગ

૧૫) શ્રી દશરથ – આદર્શ ગૌશાળા

૧૬) લક્ષ્મણ વાટિકા – લીલી તળાવ, સંગીતમય ફુવારાઓ

૧૭) લવકુશ નિકુંજ – યુવાનો તેમજ બાળકોની પ્રવૃત્તિઓ માટેનું ક્ષેત્ર

૧૮) મર્યાદા ખંડ – વિશેષ અતિથિઓ માટેનો રહેણાંક વિસ્તાર (બહુમાળી બિલ્ડિંગ)

૧૯) ભરત પ્રસાદ મંડપ – પ્રસાદી, ભોગ, નૈવેદ્ય વિતરણનું વ્યવસ્થાપન તેમજ રસોઈ માટેનાં અનાજ ભંડારની વ્યવસ્થા

૨૦) માતા સીતા રસોઈ અન્નક્ષેત્ર – ભક્તોનાં સમૂહ પ્રસાદી ભોજન માટેનો વિશાળ હોલ ~ ભોજનાલય ઉપરાંત રસોડું

૨૧) દીપસ્તંભ – સિંહ દ્વાર સામેનો સ્તંભ (મંદિર પ્રવેશ માટે)

હવે આપણે અયોધ્યા રામ મંદિરને લગતી થોડીક વિશેષ બાબતો વિશે જાણીશું.

– મંદિરનાં ખાત મુહૂર્ત સમયે, જમીનની ૨૦૦૦ ફુંટની ઊંડાઈમાં એક ટાઈમ કેપ્સુલ મૂકવામાં આવ્યું હતું, જેમાં શ્રી રામનાં સમયની તેમજ રામાયણને લગતી તમામ માહિતીઓ છે.

– આ મંદિર એ રીતે બનાવવામાં આવ્યું છે કે આવનારા ૧૦૦૦ વર્ષ સુધી એ ટકી રહેશે.

– મંદિરમાં પ્રભુ શ્રીરામની બાળ સ્વરૂપની મૂર્તિ બિરાજમાન થવાની છે, તે કર્ણાટકનાં શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિ (કર્ણાટકનો બ્લેક ગ્રેનાઈટ પથ્થર) કૃષ્ણ શીલામાંથી બનાવવામાં આવેલી છે, જે મૂર્તિ ૫૧ ઈંચ ઊંચી છે.

– મંદિર સુધી પહોંચવાના કુલ ૬ દ્વાર છે  – હનુમાન દ્વાર, ભરત દ્વાર, જટાયુ દ્વાર, ગરુડ દ્વાર અને લક્ષ્મણ દ્વાર.

– મંદિર નિર્માણમાં સલાહ સૂચન માટે એક કમિટી બનાવવામાં આવી હતી જેમાં : IIT દિલ્હી – મદ્રાસ – ગુવાહાટી – મુંબઈનાં પ્રોફેસર્સ તેમજ ડિરેક્ટર્સ, CBRI Roorkee, SVNIT સુરત અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડના સભ્યો શામેલ હતાં.

તો આ વાત હતી, પ્રભુ શ્રી રામનાં મંદિરની. કેટ કેટલાંય વર્ષોની પ્રતીક્ષા પછી પ્રભુ શ્રી રામ પોતાની જન્મભૂમિ પર બિરાજીત થશે, એ આપણા સૌના જીવનમાં હંમેશ માટે એક યાદગાર અને સોનેરી પળ બની રહેશે. અને આપણા દેશનાં પૌરાણિક મંદિર સ્થાપત્યોમાં એક બીજી યશકલગી ઉમેરાશે, જેની સર્વોપરિતા વિશ્વવ્યાપી હશે.

જય શ્રી રામ….

Ayodhya Ram Mandir | Ayodhya Mandir | blog post | Ram mandir | Shree Ram Janmabhoomi | Blog post | writing | blogging | blogger | informative blog | knowledge sharing | current topic | Heritage temple | Ayodhya Temple Architecture | Jai Shree Ram | Vishakha Writer | Gujarati Writer | Vish_info | Gujarati blogger | Must Read | Mythology | Shree Ram Mandir Pran Pratishtha Mahotsav | Interesting | Gujarati Writer | proud moment of India | Most Awaited moment of India | WordPress blog | Writing | article published | writer life | Educational | Historical | Historic Temple

Leave a comment